પહલગામ હુમલાનો બદલો લેવા દેશની સેના અને સરકાર કટિબદ્ધ છે અને સક્રિય થઈ છે. ગઈકાલ સાંજથી જ શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે પ્રધાનમંત્રીની CCS બેઠકમાં નિર્ણયો લેવાયા. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, ભારતે અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સમારોહ દરમિયાન અટારી પર ગેટ બંધ રહેશે અને ભારતીય કમાંડર પાકિસ્તાની કમાંડર સાથે હાથ નહીં મિલાવે. ઉપરાંત તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો અને ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ અપાયો છે. સાથે ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ કરવાનો અને તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને ભારત છોડવા આદેશ અપાયો છે. ભારત પણ પોતાના સલાહકારોને પરત બોલાવશે. ભારતે ઉચ્ચાયુક્તોની કુલ સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય પણ લીધો છે. તો આજે પણ દિલ્લીમાં બેઠકોનો દૌર યથાવત રહ્યો. એક તરફ દુનિયાના દેશોના રાજદ્વારીઓ સાથે વિદેશ મંત્રાલયમાં બેઠક થઈ તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. સમગ્ર સ્થિતિની પૂરી જાણકારી આપી. સાથે જ પાકિસ્તાનને તરસ્યુ મારવા જળશક્તિ મંત્રાલયમાં પણ બેઠક થઈ. એટલું જ નહીં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાઈ.
Category
🗞
News