Skip to playerSkip to main contentSkip to footer
  • today
તાપી જિલ્લામાં તાજેતરમાં ધર્માંતરણની ઘટનાઓ અને ખાસ કરીને શાળા કક્ષાએ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વિવાદ બાદ તાપી જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટરે શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકતો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે.

જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને મોકલેલા આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે સ્તૃતિ-ગીત ગાવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન કે ઉપદેશ આપવા પર પણ રોક લગાવવામાં આવી છે. શાળાઓમાં ધર્મપ્રચારના ઉદ્દેશ્યથી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવવા જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રની અમલવારી સુનિશ્ચિત કરવાની જવાબદારી શિક્ષણાધિકારીઓને સોંપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના તાપી જિલ્લા મંત્રી રાકેશ ગામીતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધર્મ પરિવર્તનને લઈને તેઓએ અગાઉ પણ અનેક વખત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તમામ શિક્ષકો આવા નથી, પરંતુ હિન્દુ ધર્મ છોડીને વિદેશી ધર્મ અંગીકાર કરનારા કેટલાક લોકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે. તેમણે ધર્માંતરણની પ્રવૃત્તિ કરતા શિક્ષકોની યાદી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. બીજી તરફ, સીએનઆઈ ચર્ચ વ્યારાના રૅવ તુષાર પટેલ દ્વારા પણ આ પરિપત્ર અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

Category

🗞
News

Recommended